Loading...

૧. ફોરેન્સિક સાયન્સ એટલે શું અને DFS નું મુખ્ય કાર્ય શું છે?

જવાબ: ફોરેન્સિક સાયન્સ એ ગુનાની તપાસમાં વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પદ્ધતિ છે. નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી (DFS), ગુજરાત રાજ્ય સરકાર હેઠળ કાર્યરત એક સ્વાયત્ત સંસ્થા છે, જે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને ગુના સંબંધિત મળેલા પુરાવાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરીને અહેવાલ પૂરો પાડે છે.

૨. સામાન્ય નાગરિક તરીકે શું હું સીધો જ DFS માં કોઈપણ સેમ્પલ કે કેસ તપાસ માટે મોકલી શકું?

જવાબ: ના. DFS સીધા નાગરિકો પાસેથી તપાસ માટેના સેમ્પલ કે અરજીઓ સ્વીકારતું નથી. વૈજ્ઞાનિક તપાસ માત્ર અધિકૃત તપાસ એજન્સીઓ (જેમ કે પોલીસ વિભાગ, કોર્ટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા અન્ય સરકારી તપાસ સંસ્થાઓ) દ્વારા વિધિવત રીતે મોકલવામાં આવે ત્યારે જ કરવામાં આવે છે.

૩. ડી.એન.એ. (DNA) પરીક્ષણ કયા પ્રકારના કેસોમાં ઉપયોગી થાય છે?

જવાબ: ડી.એન.એ. પરીક્ષણ મુખ્યત્વે નીચે મુજબના કેસોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે:

●     પિતૃત્વ (Paternity) કે માતૃત્વના વિવાદો ઉકેલવા.

●     ગંભીર ગુનાઓ (જેમ કે બળાત્કાર, ખૂન) માં આરોપીની ભોગબનનાર/ઘટનાસ્થળ જોડે સાંકળતા પુરાવાઓ આપવા.

●     કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ/અકસ્માતો વખતે અજ્ઞાત મૃતદેહો (Unknown Bodies) ની ઓળખ કરવી.

૪. સાયબર ક્રાઇમ અથવા ડિજિટલ ફ્રોડના કિસ્સામાં ફોરેન્સિક લેબોરેટરી કેવી રીતે મદદરૂપ થાય છે?

જવાબ: Computer Forensics ડિવિઝન દ્વારા કમ્પ્યુટર, મોબાઇલ, હાર્ડ ડિસ્ક, સીસીટીવી ફુટેજ, ઓડિયો/વીડિયો રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા ડેટામાંથી ડિલીટ થયેલી કે છુપાવેલી માહિતીને સુરક્ષિત રીતે રિકવર કરીને તેની પ્રામાણિકતા (Authenticity) તપાસવામાં આવે છે.

૫. ગુના વાળી જગ્યાએ (Crime scene) સામાન્ય નાગરિકે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

જવાબ: જો તમારી આસપાસ કોઈ ગુનો બને, તો:

●     ઘટનાસ્થળને સ્પર્શ કરશો નહીં કે કોઈ વસ્તુની જગ્યા બદલશો નહીં.

●     ઘટનાસ્થળે અન્ય લોકોને પ્રવેશવા ન દો, જેથી ભૌતિક પુરાવા (જેમ કે ફિંગરપ્રિન્ટ, લોહીના નમૂના વિગેરે) નષ્ટ ન થાય.

●     તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરો.

૬. DFS દ્વારા તૈયાર કરવામાં આવેલા ફોરેન્સિક રિપોર્ટની અદાલતમાં શું માન્યતા હોય છે?

જવાબ: DFS ગાંધીનગર અંતર્ગત આવેલ ફોરેન્સિક લેબોરેટરીઓ એ માન્યતા પ્રાપ્ત (NABL Accredited) સંસ્થાઓ છે. ભારતીય પુરાવા અધિનિયમ (Indian Evidence Act/Bhartiya Sakshya Adhiniyam) હેઠળ ફોરેન્સિક નિષ્ણાતનો અભિપ્રાય અદાલતમાં વૈજ્ઞાનિક પુરાવા (Expert Opinion) તરીકે માન્ય ગણવામાં આવે છે.

૭. ફોરેન્સિક લેબોરેટરીમાં કયા-કયા મુખ્ય વિભાગો કાર્યરત હોય છે?

જવાબ: DFS ગુજરાત ખાતે વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ તપાસ માટે અલગ-અલગ વિભાગો આવેલા છે, જેમ કે:

●    DNA & Biology Division: ડી.એન.એ. અને જૈવિક નમૂનાઓનુ એનાલિસિસ.

●    Toxicology & Chemistry Division: ઝેર, કેમિકલ અને નશાકારક પદાર્થોનુ એનાલિસિસ.

●    Ballistics & Physics Division: હથિયાર, ગોળીઓ અને ભૌતિક પુરાવાઓનું એનાલિસિસ.

●    Computer Forensics Division: કમ્પ્યુટર, મોબાઇલ અને ડિજિટલ સાધનોનો ને લગતા પુરાવાઓનું એનાલિસિસ.

●    Questioned Documents Division: બનાવટી સહી, લખાણ અને બોગસ ચલણી નોટો તથા દસ્તાવેજોનુ એનાલિસિસ.

●    Psychological Examination Division: પોલિગ્રાફ (Polygraph), નાર્કો, SDS,  અને બ્રેઇન મેપિંગ જેવી તકની દ્વારા એનાલિસિસ.

૮. વિષપાન (Poisoning) અથવા ડ્રગ્સ સંબંધિત કેસોમાં ફોરેન્સિક લેબ શું ભૂમિકા ભજવે છે?

જવાબ: ટોક્સિકોલોજી (Toxicology) વિભાગ દ્વારા વિસરા (Viscera), શંકાસ્પદ ખોરાક, દવાઓના નમૂનાઓ અને નારકોટીક્સ (Narcotics) વિભાગ દ્વારા નશાકારક પદાર્થો (NDPS) નું રાસાયણિક પૃથ્થકરણ કરવામાં આવે છે. આ તપાસ દ્વારા શરીરમાં કયા પ્રકારનું ઝેર અથવા શંકાસ્પદ પદાર્થ કયું ડ્રગ્સ હતું તેની સચોટ માહિતી મળે છે, જે પોલીસ તપાસ અને તબીબી નિષ્કર્ષ માટે અત્યંત જરૂરી છે.

૯. બનાવટી દસ્તાવેજો કે બોગસ સહી ઓળખવા માટે ફોરેન્સિક તપાસ કેવી રીતે મદદ કરે છે?

જવાબ: Questioned Documents (HPB) વિભાગ દ્વારા શંકાસ્પદ લખાણ, બનાવટી સહી, સ્ટેમ્પ અને ચેડાં કરેલા દસ્તાવેજોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત ચલણી નોટો, પાસપોર્ટ કે સ્ટેમ્પ પેપર સાચા છે કે નકલી તેની પણ તપાસ કરવામાં આવે છે.

૧૦. મોબાઈલ કે કમ્પ્યુટર માંથી ડિલીટ થઈ ગયેલો ડેટા ફોરેન્સિક લેબ રિકવર કરી શકે?

જવાબ: હા. Computer Forensics ડિવિઝનમા ઉપલબ્ધ અદ્યતન સૉફ્ટવેર અને ટૂલ્સ વડે અધિકૃત તપાસ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા મોબાઈલ, હાર્ડ ડિસ્ક કે મેમરી કાર્ડમાંથી ડિલીટ કરેલા ફોટા, મેસેજ, કોલ રેકોર્ડ કે અન્ય ફાઇલો સુરક્ષિત રીતે રિકવર કરીને તેનો તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

૧૧. શું ફોરેન્સિક નિષ્ણાત (Forensic Expert) ને કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવું પડે છે?

જવાબ: હા. જો જરૂર જણાય તો અદાલત દ્વારા ફોરેન્સિક નિષ્ણાતને પોતાના આપેલા અહેવાલ (Expert Opinion) અંગે સ્પષ્ટતા કરવા અથવા સમર્થન આપવા માટે સમન્સ પાઠવીને કોર્ટમાં સાક્ષી (Expert Witness) તરીકે બોલાવવામાં આવે છે.

૧૨. ફોરેન્સિક બેલિસ્ટિક્સ (Forensic Ballistics) એટલે શું અને તે કયા કેસોમાં મદદરૂપ થાય છે?

જવાબ: ફોરેન્સિક બેલિસ્ટિક્સ એ અગ્નિશાસ્ત્ર (Firearms) અને દારૂગોળાના વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સંકળાયેલી શાખા છે. જ્યારે પણ કોઈ ગુનામાં બંદૂક, પિસ્તોલ કે રિવોલ્વર જેવા હથિયારોનો ઉપયોગ થયો હોય, ત્યારે આ વિભાગ નીચે મુજબની તપાસ કરે છે:

●    ઘટનાસ્થળેથી મળેલી ગોળી (Bullet) કે કારતૂસ (Cartridge) કયા હથિયારમાંથી છોડવામાં આવી હતી તે નક્કી કરવું.

●    ગોળી કેટલા અંતરેથી ચલાવવામાં આવી હતી (Firing Range) તેનું આકલન કરવું.

●    જપ્ત કરાયેલું હથિયાર ચાલુ સ્થિતિમાં છે કે નહીં તેની ચકાસણી કરવી.

૧૩. ફોરેન્સિક સાયકોલોજી (Forensic Psychology) વિભાગમાં કયા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે? શું તેનાથી ગુનેગાર સાચું બોલે છે?

જવાબ: આ વિભાગ ગુનાની તપાસમાં માનસશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. જટિલ કેસોમાં સાક્ષીઓ કે શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સત્ય કઢાવવા માટે અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમ કે:

●    લાઈ ડિટેક્ટર/પોલિગ્રાફ ટેસ્ટ (Lie Detector/Polygraph): આ ટેસ્ટ દરમિયાન વ્યક્તિના ફીઝીયોલોજીકલ ફેરફારો નોંધીને તે જૂઠું બોલે છે કે નહીં તેનું અનુમાન લગાવાય છે.

●    બ્રેઈન મેપિંગ/BEOS (Brain Fingerprinting): આમાં વ્યક્તિના મગજના તરંગો (Brain Waves) ની તપાસ કરીને નક્કી કરવામાં આવે છે કે ગુના સંબંધિત કોઈ માહિતી તેના મગજમાં સંગ્રહિત છે કે નહીં.

નોંધ: કાયદાકીય જોગવાઈઓ અને માનવ અધિકારો મુજબ, આ પ્રકારના ટેસ્ટ માત્ર અદાલતની મંજૂરી અને સંબંધિત વ્યક્તિની લેખિત સંમતિ બાદ જ કરવામાં આવે છે.

૧૪. ફોરેન્સિક ફિઝિક્સ વિભાગ કયા પુરાવાઓની તપાસ કરે છે?

જવાબ: આ વિભાગ ગુનાના સ્થળેથી મળી આવતા ભૌતિક પુરાવાઓનું વિશ્લેષણ કરે છે. સામાન્ય રીતે નીચે મુજબના કેસોમાં આ વિભાગની ભૂમિકા મહત્વની હોય છે:

●    વાહન અકસ્માત (Hit and Run): અકસ્માત સર્જનાર વાહનના રંગના કણો (Paint chips) કે તૂટેલા કાચના ટુકડાઓનું મેચિંગ કરવું.

●    ઘરફોડ ચોરી કે લૂંટ: તાળું કે તિજોરી તોડવા માટે વપરાયેલા સાધનોના નિશાન (Tool Marks) ની ચકાસણી કરવી.