કમ્પ્યુટર ફોરેન્સિક વિભાગ તપાસ દરમિયાન કાયદા અમલીકરણ એજન્સીઓ અને ન્યાયિક સત્તાધિકારીઓને સહાયરૂપ થવા માટે વિવિધ ડિજિટલ ઉપકરણો અને ડિજિટલ માધ્યમોના ફોરેન્સિક પરીક્ષણ અને વિશ્લેષણમાં વિશેષતા ધરાવે છે. ફોરેન્સિક અધિકારીઓ ડિજિટલ પુરાવાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી હસ્તગતકરણ, સંરક્ષણ, પરીક્ષણ, વિશ્લેષણ અને અહેવાલીકરણ કરે છે તેમજ પુરાવાની અખંડિતતા અને પ્રમાણિકતા જાળવી રાખે છે.
વિભાગ દ્વારા મોબાઇલ ફોન, લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, સોલિડ સ્ટેટ ડ્રાઇવ (SSD), મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ, ડીવીઆર/એનવીઆર સિસ્ટમ, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ડિજિટલ સંગ્રહ માધ્યમોનું ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવે છે. તકનિકી રીતે શક્ય હોય ત્યાં ક્ષતિગ્રસ્ત (Damaged) અથવા અપ્રાપ્ય ડિજિટલ માધ્યમોમાંથી પણ ડેટાની પુનઃપ્રાપ્તિ અને પરીક્ષણ હાથ ધરવામાં આવે છે. કોલ રેકોર્ડ, સંદેશાઓ, ઇ-મેઇલ, દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, વિડિઓઝ, ઇન્ટરનેટ પ્રવૃત્તિ, સ્થાન સંબંધિત માહિતી, એપ્લિકેશન ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓનું અદ્યતન ફોરેન્સિક સાધનો અને સ્થાપિત પદ્ધતિઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે.
વિભાગ દ્વારા સીસીટીવી અને અન્ય ડિજિટલ વિડિઓ પુરાવાઓના વિડિઓ એન્હાન્સમેન્ટ અને વિશ્લેષણની કામગીરી પણ કરવામાં આવે છે. ઉપરાંત ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેઇન સંબંધિત ડિજિટલ વ્યવહારોનું વિશ્લેષણ, ડીપફેક (Deepfake) સામગ્રીની ઓળખ અને પરીક્ષણ તેમજ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણોના ફોરેન્સિક પરીક્ષણ જેવી વિશિષ્ટ કામગીરીઓ પણ હાથ ધરવામાં આવે છે. ડિજિટલ પુરાવાઓના વૈજ્ઞાનિક પરીક્ષણ, નિષ્ણાત અર્થઘટન દ્વારા કમ્પ્યુટર ફોરેન્સિક વિભાગ તપાસ એજન્સીઓને હકીકતો સ્થાપિત કરવામાં, વ્યક્તિઓ અને ઘટનાઓ વચ્ચેના સંબંધો શોધવામાં, ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં તથા ન્યાયમાં મહત્વપૂર્ણ સહયોગ આપે છે.