Loading...

ગાંધીનગર સ્થિત નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીનો નાર્કોટિક્સ વિભાગ એ ગુજરાત રાજ્યમાં કાર્યરત એકમાત્ર વિશિષ્ટ વિભાગ છે, જે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની ચોક્કસ ઓળખ, વૈજ્ઞાનિક પૃથક્કરણ અને વિશ્લેષણ દ્વારા કાયદાના અમલીકરણ માટેની એજન્સીઓ તેમજ ન્યાયિક તંત્રને વિશ્વસનીય વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે.

આ વિભાગમાં એન.ડી.પી.એસ. એક્ટ, 1985 (NDPS Act, 1985) હેઠળ આવતાં નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના વિવિધ નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવે છે. તેમાં ગાંજો, ચરસ, અફીણ, પોષડોડા જેવા વાનસ્પતિક પદાર્થો, હેરોઇન તેમજ કેથિનોન, એમ્ફેટામાઇન/મેથએમ્ફેટામાઇન, એલ.એસ.ડી. જેવા સિન્થેટિક ડ્રગ્સ સહિત અન્ય નાર્કોટિક અને સાયકોટ્રોપિક પદાર્થોનો સમાવેશ થાય છે.

આ વિભાગમાં પ્રાપ્ત થતા નમૂનાઓની ગુણાત્મક ઓળખ (Qualitative Analysis) તેમજ જરૂરીયાત મુજબ માત્રાત્મક પૃથક્કરણ (Quantitative Analysis) કરીને વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

નમૂનાઓના વૈજ્ઞાનિક પરીક્ષણ અને વિશ્લેષણ માટે નીચે મુજબની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે:

  1. ભૌતિક પરીક્ષણ (Physical Examination)
  2. રાસાયણિક પરીક્ષણ (Chemical Examination)
  3. ઉપકરણીય પરીક્ષણ (Instrumental Analysis)
આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ

નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના ઉપકરણીય વિશ્લેષણ માટે વિભાગમાં ક્રોમેટોગ્રાફી અને સ્પેક્ટ્રોસ્કોપી આધારિત અદ્યતન તથા આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનોની મદદથી પદાર્થોની ચોક્કસ ઓળખ, તેમની રચના અને ગુણધર્મોનું વિશ્વસનીય વિશ્લેષણ કરવામાં આવે છે, જેના આધારે પ્રમાણભૂત વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ રીતે નાર્કોટિક્સ વિભાગ રાજ્યમાં માદક પદાર્થોના વૈજ્ઞાનિક પરીક્ષણ અને ફોરેન્સિક વિશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે અને ન્યાયિક પ્રક્રિયાને મજબૂત વૈજ્ઞાનિક આધાર પ્રદાન કરે છે.